મહર્ષિ વેદ વ્યાસની જન્મ તિથી એટલે વ્યાસ પૂર્ણિમા તેમજ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ગુરુ શબ્દને વ્યાખ્યાયિત કરવા કરતાં એમની ગહનતામાં મસ્ત રહેવું અગત્યનું છે. શુદ્ધ મનથી કરેલી ગુરુ વંદના જરૂર ઊર્જાનું સિંચન કરનારી અને શિષ્યના જીવનમાં પ્રકાશ પાથરનારી હોય છે.
સાંસ્કૃતિક ગતિશીલતાનો પર્યાય એવું રાજકોટ શહેર, સમૃદ્ધ, રંગીન અને પરંપરાગત તો છે જ, પણ સાથે બહુસાંસ્કૃતિક વિવિધતાની સાથે પરિપકવ પણ છે. કલા સાથે જોડાયેલા વ્યક્તિનો પરિચય આપવાનો ના જ હોય, કલા અને કૌશલ્ય જ એમનો પરિચય આપતી હોય છે.
રાજકોટ શહેરમાં રહીને ભરનાટ્યમ્ શાસ્ત્રીય નૃત્યમાં પારંગત ગુરુ શ્રી જીગ્નેશ સુરાણી અને તેમના જ શિષ્ય અને નાના બહેન ક્રિષ્ના સુરાણી, આ ભાઈ-બહેનની જોડી એ રાજકોટમાં રહીને ભરતનાટ્યમ્ શાસ્ત્રીય નૃત્યકલા અને વારસાને જાગૃત તો કર્યો જ છે, બલ્કે લોકો સુધી રુચિ પૂર્વક પહોંચતો પણ કર્યો છે. છેલ્લા 15 વર્ષોની નૃત્ય સાધના, ધગશ, અથાગ મહેનત આજે તેમની નૃત્ય સંસ્થા ‘તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ ડાન્સ’ સફળતાના શિખરો સર કરી રહી છે.
તેઓએ આજે દક્ષિણ ભારતના લોકપ્રિય ભરતનાટ્યમ્ ને ગુજરાતમાં ઓળખ તો આપી જ છે, ઉપરાંત કેનેડા, જર્મની, તુર્કી, લંડન, પૉલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ જેવા વિવિધ દેશોમાં શાસ્ત્રીય પરફોર્મન્સ રજૂ કરી ભરતનાટ્યમ્ નૃત્યકલાનું ભારત દેશ વતી ગર્વભેર પ્રતિનિધિત્વ કરી ભારતીય સાંસ્કૃતિની મહેક પ્રસરાવી છે. ‘તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ ડાન્સ’ સંસ્થાના સ્થાપક, સાચ્ચા અર્થમાં નૃત્યકલાના બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય એવા આ બંને ભાઈ-બહેનની જોડીને ગુરૂપૂર્ણિમા પર વંદન.
રાજકોટમાં આજે ઘણી ખરી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ નૃત્યકલા અને ડાન્સની વચ્ચેનો ભેદ સારી રીતે સમજે છે, અને આયોજનબધ્ધ રીતે સંસ્કૃતિ અને વારસાને જોડીને તાલમેલ સાધી રહી છે. શાળાઓ અને વાલીઓ શિસ્તપૂર્વક વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન ભરતનાટ્યમ્ નૃત્યકલા દ્વારા કરી રહી છે. જાગૃત વાલીઓ આજે ભરતનાટ્યમ્ માં રુચિ લઈ રહ્યા હોઈ પોતાની આવનારી પેઢીને વારસામાં સંસ્કારનું સંપેતરું આપવાનું સહજ અને મક્કમપણે નક્કી કરીને આગળ વધી રહ્યા છે. સમયની હરણફાળ દોટમાં આજે બાળ માનસ ખુબજ ચપળ અને ચંચળ બન્યું છે. ટેકનોલોજીના અતિશયોક્ત ઉપયોગને કારણે આજે હરકોઈ માં-બાપ તેમના બાળકો માટે ચિંતિત હોય તે સ્વાભાવિક છે. સંસ્કૃતિ અને કલા વારસો આવનારી પેઢીને આપણે જ આપવો રહ્યો. કલા હશે ત્યાં પાત્રતા હશે જ, કારણ કે સાહિત્ય, સંગીત, અને કલાની દેવી માં સરસ્વતી કે જેના હાથમાંના પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. તેઓ ત્યાંજ હશે જ્યાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય હશે. ત્રેતાયુગથી જેના પાયા નંખાયાં હોય એવા નાટ્યશાસ્ત્રના અભિન્ન અંગ ભરતનાટ્યમને રાજકોટ ક્ષેત્રે પ્રજ્વલિત કરનાર આ બંને ભાઈ-બહેનની જોડીને ગુરુપૂર્ણિમા પર દંડવત પ્રણામ અને તેમની સંસ્થા ‘તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ ડાન્સ’ ભવિષ્યમાં એક સ્વતંત્ર અને વિશાળ સંકુલ બને જ્યાં હર કોઈ આવીને નૃત્ય વિદ્યા મેળવી શકે તેવી શુભકામનાઓ સાથે નૃત્યના સર્જનહાર, અખિલ બ્રહ્માંડના રચેયતા નટરાજના ચરણોમાં પ્રાર્થના, સાદર વંદન.
ભરતનાટ્યમ્ ને વધુ ઊંડાણ પૂર્વક જાણવા થોડી સંક્ષિપ્ત માહિતી સંકલન કરીને રજૂ કરું છું.
લગભગ 2700 વર્ષો પહેલા હાલના કર્ણાટક-તમિલનાડુના દ્રવીડિયન ભૌગોલિક પ્રદેશમાં મનુવંશીય રાજવી ઋષભદેવના પુત્ર ઋષીમુનિ ભરત થઈ ગયા. જેઓ નન્દિભરત, મતંગભરત, તંડુ કે નંદિકેશ્વર જેવા નામોથી પણ જાણીતા છે. તેઓએ નાટ્ય, અભિનયકલા, કાવ્યશાસ્ત્ર, સંગીત, ન્રત્ય જેવી લલિતકલાઓ તેમજ પ્રેક્ષકગૃહ, મંચસજાવટ, વેશભૂષા, શણગાર, અભિવ્યક્તિ વાદ્ય-વાજિંત્રોને લક્ષમાં રાખીને એક ઉત્કૃષ્ઠ સાહિત્યિક ક્ષમતા વાળો સંસ્કૃત ગ્રંથ તૈયાર કર્યો જે નાટ્યશાસ્ત્ર તરીકે ઓળખાય છે. ભારતીય નાટ્યકલાના પિતામહ તરીકે ભરતમુનિ સર્વાનુમતે સ્વીકૃત છે. અધ્યાયોમાં નાટ્ય ઉત્પતિ થી લઇને રસ અને ભાવનું સુંદર વ્યાખ્યાન કરેલું છે. અંગ અને ઉપાંગો દ્વારા અભિનય, ગતીભેદ, દ્રષ્ટિભેદ, કરણો, અંગહાર, રેચક અને છંદ-અલંકારનું ઊંડાણ પૂર્વક વિવરણ મુખ્ય છે.
અભિનવગુપ્તના મત પ્રમાણે નાટ્યશાસ્ત્રની રચના પ્રથમ સદાશિવે કરી, શિવજી એ તાંડવનૃત્ય તેમજ પાર્વતીજી એ લાસ્યનૃત્ય દ્વારા બ્રહ્માજીને જ્ઞાન આપ્યું અને બ્રહ્માજી એ ભરતમુનિને આ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. ઋષી ભરતમુનિનો નૃત્ય, નાટ્ય અને કાવ્ય પ્રત્યેનો લગાવ અને તેમની નિપુણતાને કારણે તેમણે રચેલા ભારતીય નાટ્ય પરંપરાના વિશ્વકોશ સમા નાટ્યશાસ્ત્રને વિવિધ કલા-પ્રદર્શન માટે સર્વાનુમતે આદ્યગ્રંથ તરીકે સ્વીકારાય છે.
જ્યારે આ શાસ્ત્ર આધારિત સૌ પ્રથમ નાટ્ય પ્રયોગ રજૂ થયો ત્યારે બ્રહ્માજીએ ભરતમુનિને નાટ્યશાસ્ત્રમાં કૈશિકી એટલે કે ‘કલાત્મક’ વૃતિ ઉમેરવાનું સૂચવ્યું હતું. ભરતમુનિએ બ્રહ્માજીની પ્રેરણાથી પ્રદશન કલાનું વર્ણન કરતા વૈવિધ્યસભર 12 હજાર કાવ્યાત્મક છંદો અને આંશિક ગદ્ય વર્ણન સાથે 37 અધ્યાયોમાં નાટ્યશાસ્ત્રની રચના કરી. મહદ અંશે પદ્ય, અનુષ્ટુપ છંદના સ્વરૂપમાં લખાયા છે.
નાટ્યશાસ્ત્રની ગહન રચના દરમ્યાન ભરતમુનીએ શબ્દોનું ચયન, અર્થાત કથાતત્વ ઋગ્વેદ માંથી, સંગીત અને અભિનયકલા સામવેદ માંથી, મુખ અને નેત્રની આકર્ષક ચેસ્ટા એટલે કે હાવ અને કાવ્ય નાટ્યના વિવિધ રસોની પરિસ્થિઓનું વર્ણન એટલે કે ભાવ યજુર્વેદ માંથી અને રાગ તેમજ લાગણીઓ અથર્વવેદ માંથી લઈને કરવામાં આવેલ, એટલે જ તો નાટ્યશાસ્ત્રને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે.
નૃત્ય કે નાટક શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની માફક ભણાવવામાં આવે છે. એવું શું છે આ નાટ્યશાસ્ત્રમાં કે એ કાળને પણ અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે ?. વિષ્ણુનાં હજાર નામો માહેનું એક નામ ‘ગહન’ની જેમ આજેય તેનું સામર્થ્ય કળી શકવું મુશ્કેલ છે. મૂળ તો આ ગ્રંથ નાટ્યસંવિધાન એવમ રસ સિધ્ધાંતની મૌલિક સંહિતા છે. આ ગ્રંથના વાક્યો ભરતસૂત્રો તરીકે પ્રયોજાય છે.. કાળક્રમે આ ગ્રંથનું સન્ક્ષિપ્તીકરણ થયું છે, આ મહાગ્રંથમાં નૃત્ય, સંગીત, અલંકાર શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, રસ શાસ્ત્ર જેવા વિષયો આવર્યા છે. નાટ્યકલાના આવા વિવિધ પક્ષોનું સાંગોપાંગ વર્ણન અન્ય દેશ કે અન્ય કોઈ પણ સંસ્કૃતિમાં મળવું ખુબજ દુર્લભ છે.
ભૂતકાળમાં જે લોકો વેદોનો અભ્યાસ ન કરી શકતા તેઓ નાટ્યને માણીને જ્ઞાન પ્રાપ્ય કરી શકતા. પ્રત્યેક લલિતકલાની ખાસિયત હોય છે કે – તે મનને પ્રસન્નતા આપે છે, જે આજના સમયમાં માનસિક તાણ સમક્ષ રક્ષણ મેળવવા અકસીર છે. તાલ અને લયની સંગીતને અનુબદ્ધ અનુકૃતિ નૃત કહે છે જ્યારે નૃત સાથે ગાયન, આહલાદકતા, મુખ મુદ્રા તેમજ હાવ-ભાવ ભળે તો તેને નૃત્ય કહેવાય છે. ભરત મુનિ લખે છે:
ન તજજજ્ઞાનમનતચ્છીલ્પ ન તચ્છીલ્પ, ન સા વિધા ન સા કલા
ન સા યોગો ન તત્કર્મ નાટ્યેડસ્મિન યન્નદૃશ્યતે
અર્થાત કોઈ જ્ઞાન, કોઈ શિલ્પ, કોઈ વિદ્યા, કોઈ કર્મ એવું નથી જે નાટકમાં જોવા ન મળતું હોય. નાટ્યશાસ્ત્ર વિષે કહી શકાય કે તે અભ્યાસની વસ્તુ છે, પ્રત્યક્ષ પ્રસ્તુતિ અને દર્શનની વસ્તુ છે. ભરતમુનિ કહે છે
વેદાધ્યાત્મોપન્ન તું શબ્દચ્છંદ સ્સ્સમન્વિતમ લોકસિદ્ધમ ભવેત સિદ્ધમ
અર્થાત નાટ્ય લોકાત્મક તથા અધ્યાત્મથી ઉત્પન્ન હોય, શબ્દો, છંદો સુંદર હોય પણ લોકો સ્વીકાર કરે તો જ એ સફળ નાટક. કારણ કે નાટક લોકપરક હોય. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લોકો ઈચ્છે એવું નહીં, પણ લોકરુચિનું ઘડતર કરનારું હોય એ જરૂરી છે. નાટક એ કોઈ પ્રદર્શન કે તમાશો નથી. કરવા ખાતર કે કોઈ કામ નથી, માટે નાટક કરવું એવું નહીં, પણ નાટક કરવું છે, સારું નાટક કરવાની ઈચ્છા છે, માટે નાટક કરવું. સમાજને સમુન્નત, સુશિક્ષિત અને સુસંસ્કારિત કરવાનો નાટકનો ઉદ્દેશ છે એ બહુ મહત્વની વાત છે. નાટક ચેતન તત્વની સામે ચેતન તત્વની પ્રસ્તુતિ છે એટલે બહુ મોટી જવાબદારી બની જાય છે.
વિશાળ ભારતીય જંબુદ્વીપ, દ્રવિડોની કલાથી પ્રભાવીત રહ્યો છે. ભારતવર્ષના વિવિધ ભૌગોલિક ક્ષેત્રોની આગવી ઓળખ નાટ્યશાસ્ત્ર આધારીત ભારતીય પરંપરાના વિવિધ શાસ્ત્રીય નૃત્યો દ્વારા મળે છે. જેમાં તમિલનાડુનું ભરતનાટ્યમ, વારાણસીનું કથ્થક, કેરલનું કથકલ્લી અને મોહિનીઅટ્ટમ, તેલુગુનું કૂચિપૂડી, ઓડિશાનું ઓડીશી અને ઉતર પૂર્વનું આવેલું મણિપુર રાજ્યનું નૃત્ય એટલે મણિપુરી. આ બધા જ શાસ્ત્રીય નૃત્યના મુળિયાં ભરતમુનિના નાટ્યશાસ્ત્ર સાથે જ જોડાયેલા છે.
ભરતનાટ્યમ્ વિષે થોડો સંક્ષિપ્તમાં પરિચય કરીએ તો, હિંદુ પરંપરા મુજબ ભરતનાટ્યમ નૃત્ય સ્વરૂપનું નામ બે શબ્દો, ‘ભારત’ અને ‘નાટ્યમ’ને જોડવાથી બન્યું છે. સંસ્કૃતમાં નાટ્યમનો અર્થ નૃત્ય છે.
ભા એટલે ભાવ, રા એટલે રાગ જે મધુર છે, અને તા એટલે તાલ એ લય છે. પરંપરાગત રીતે આ શબ્દ નૃત્ય સ્વરૂપનો ઉલ્લેખ કરે છે જ્યાં ભાવ, રાગ અને તાલનો સમન્વય હોય છે. પ્રમાણિત અને પ્રમુખ નૃત્યશૈલી એટલે ભરતનાટ્યમ્.
ભરનાટ્યમ્ નૃત્ય બે વિભાગમાં વહેચાયેલું છે. અભિનય અને નૃત્ય.
અભિનયની મહત્વની વાત કરતાં ભરતમુનિ કહે છે,
યતો હસ્ત તતો દૃષ્ટિ, દૃષ્ટિસ્તતો મન યતો મન સ્તતો ભાવ.
અર્થાત, જ્યાં હાથ છે ત્યાં દૃષ્ટિ, જ્યાં દૃષ્ટિ ત્યાં મન અને જ્યાં મન ત્યાં ભાવ. એટલે અભિનય એક કસોટી કરતી કળા છે. અભિનય શબ્દ અભિ+ની થી જોડાઈને બન્યો છે. જેનો અર્થ છે, ‘ની સામે લઈ જવું’ પ્રેક્ષકો સુધી કલાત્મકતાથી, સમત્વપૂર્વક કશુંક લઈ જવાનું છે. આથી ભરતમુનિ અભિનયને ચાર પ્રકારમાં વહેંચે છે.
- પહેલો પ્રકાર, આંગિક (અંગ ઉપાંગો) અને મુખની વિવિધ ચેષ્ટા દ્વારા શારીરિક અને મુખાકૃતિ બનાવીને.
- બીજો પ્રકાર છે વાચિક એટલે કે વાણી, કંઠ દ્વારા ઉચ્ચારો, કાકુ, સ્વર, વ્યંજનો, ભાષા વગેરેથી.
- ત્રીજો પ્રકાર છે આહાર્ય એટલે કે વસ્ત્રો, અલંકાર, અંગ રચના સજ્જીવ થઈને.
- ચોથો પ્રકાર છે સાત્વિક. વ્યક્તિના મનમાં સત્વ હોય છે. આ સત્વ પાત્ર સાથે જોડાય એટલે ભાવ ઉત્પન્ન થાય. આમ અભિનયમાં મન જોડાય છે.
- નાટકના ૧૧મુખ્ય અંગો છે. રસ. ભાવ, અભિનય, ધર્મી, વૃત્તિ, રંગ, મંડપ, પ્રવૃત્તિ, સિદ્ધિ, સ્વર, આતોદ્ય ગાન (વાદ્યો સાથેનું).
- નાટ્યમાં કુલ નવ રસ હોય છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, ભયાનક, બિભત્સ, અદભુત, અનેવીર. નવમો શાંતરસ છે પણ એ નાટકમાં ઉપયોગી નથી.
- એ જ રીતે નાટ્યમાં ભાવ પણ આઠ હોય છે: રતી, હાસ, ક્રોધ, ઉત્સાહ, ભય શોક જુગુપ્સા વિસ્મય. આમાં બધામાં પણ પાછા પેટાપ્રકાર હોય છે, જેની વિશેષ સમજ ભરતમુનિ એ નાટ્યશાસ્ત્રમાં આપી છે.
ભરતનાટ્યમ નૃત્યાંગનાની પહેરવેશની શૈલી તમિલ હિન્દુ દુલ્હન જેવી જ હોય છે. નૃત્યાંગના વિશિષ્ટ રીતે શણગારેલી પરંપરાગત કાંજીવરમ સાડી ખૂબસૂરતી પૂર્વક પહેરે છે. જેમાં કાપડનો ઉપયોગ થાય છે, નૃત્ય દરમ્યાન જે ખાસ કરીને કમરથી આગળના ભાગમાં પડે છે. નૃત્યાંગના શારીરિક ઉપાંગોની અદભૂત હલચલમાં, તેના ઘૂંટણને ખેંચવા અથવા વાળવાનો અભિનય થાય છે, ત્યારે કાપડ હાથના પંખાની જેમ પહોળું થાય છે. નૃત્ય પ્રસ્તુતિ દરમ્યાન એક ચોક્કસ પ્રકારની મુખસજ્જા થાય છે. આંખોની સજ્જા ઘણી મનમોહક હોય છે. આબેહૂબ ચહેરાનો મેક–અપ તેની આંખોને ખાસ રીતે પ્રકાશિત કરે છે જેથી પ્રેક્ષકો નૃત્યાંગનાની અભિવ્યક્તિને યોગ્ય રીતે માણી શકે છે. સુંદર રંગોવાળી વેશભૂષા ઘણી આકર્ષક હોય છે. કેશગુંફન વખતે પુષ્પ ગુથવામાં આવે છે. કાનમાં ઝૂમખા, હાથમાં બાજુબંધ, કાંડામાં બંગડીઓ, શિર પર ચંદ્ર અને સૂરજ આકારના ઘરેણાં, નાકમાં નથણી અથવા દામણી તેમજ કમર આભુષણો થી જડિત કટિબંધ પહેરીને શણગારે છે. પગમાં ચામડાના પટ્ટાઓથી બનેલા ઘુંઘરુ નામના આભૂષણ પગની ઘૂંટીઓમાં દોરીઓથી વીંટળાયેલ હોય છે. નૃત્યાંગનાના પગ અને આંગળીઓ મેંદીના રંગથી રંગેલા હોય છે, જેથી તેણીના હાથના હાવભાવ પ્રકાશિત થાય છે અને મંચ પર રોશની અને રંગબેરંગી કાપડના શુશોભનથી નૃત્ય અને નૃત્યાંગના બંને શોભાયમાન થાય છે.
ભરતનાટ્યમ નૃત્યાંગનાની સાથે નટુવનર હોય છે જે એક ગાયક છે, અને સામાન્ય રીતે સમગ્ર કૃતિઓનું સંચાલન કરે છે, ગુરુ દ્વારા પણ ઘણીવાર આ ભૂમિકા નિભાવવામાં આવે છે. ભરતનાટ્યમ સાથે સંકળાયેલું સંગીત દક્ષિણ ભારતની કર્ણાટિક શૈલીમાં છે, અને વગાડવામાં આવતા વાદ્યોમાં ઝાંઝ, વાંસળી, નાગસ્વરમ નામના લાંબા પાઇપ હોર્ન, મૃદંગમ, વીણા, કરતાલ, વાયોલિન જેવા વાદ્યો નૃત્યની સંગતમાં હોય છે. પ્રદર્શન દરમિયાન પઠવવામાં આવેલ શ્લોક સંસ્કૃત,તમિલ, કન્નડ અને તેલુગુમાં હોય છે. મહદ અંશે કર્ણાટકી સંગીત અને સંસ્કૃત કે તમિલ પદો પર નૃત્ય થાય છે. ગાયન અને વાદન માટે એક ખાસ ઉચાઈ પર ગાદી વાળું આશન બનાવમાં આવે છે જે ગુરુ અને સંજીદાગણને સન્માનનું આપવાનું સૂચક છે.
ભરતનાટ્યમની સમગ્ર પ્રસ્તુતિને માર્ગમ કહે છે, જેમાં અલ્લારીપુ, જતિસ્વરમ, શબ્દમ્, વર્ણમ્, પદમ્, શ્લોકમ્ અને તીલ્લાના છે. ભરતનાટ્યમ નૃત્ય વિદ્યામાં આરંગેત્રમ એ નૃત્યનો પડાવ છે. ભરતનાટ્યમ નૃત્ય શિક્ષા પૂરી થયે નૃત્યવિદ તરીકેની તમારા સફરની શરૂઆત છે. આરંગેત્રમ એટલે ગુરુ તથા વડીલોના આશીર્વાદથી થતું નૃત્ય ક્ષેત્રે પદાર્પણ છે આ નૃત્યમાં પારંગત થવા માટે સાત થી દસ વર્ષની આરાધના કરવાની હોય છે.
પોનૈયા, વાડીવેલુ, શિવાનંદમ અને ચિન્નૈયા નામના ચાર નટુવાનર કે જેઓ તંજોર બંધુઓ તરીકે પ્રખ્યાત છે. જેઓએ 1798 થી 1832 દરમિયાન મરાઠા શાસક સરફોજી–II ના કાર્યકાળમાં આધુનિક ભરતનાટ્યમને નવો આયામ આપ્યો છે. નાટ્યશાસ્ત્ર આધારીત પરંપરાગત રીતે એકલ નૃત્ય તેમજ માત્ર સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવે છે, તે તમિલનાડુના હિંદુ મંદિરોમાં શરૂ થયું અને છેવટે દક્ષિણ ભારતમાં વિકસ્યું.
ઈસ્ટ ઈન્ડિયાની સ્થાપના પછી ક્રમશઃ ભરતનાટ્યમની પ્રસ્તુતિ પર પાબંદીઓ વધતી ગઈ અને તેનું અસ્તિત્વ મીટવવાની પૂરે પૂરી કોશિશો થઈ હતી. વધુમાં ખ્રિસ્તી મિશનરીઓએ આવી પ્રથાને રોકવા માટે 1892માં નૃત્ય વિરોધી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ વસાહતી સરકાર હેઠળની મદ્રાસ પ્રેસિડેન્સીએ 1910માં હિંદુ મંદિરોમાં નૃત્ય કરવાના રિવાજ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સાથે હિંદુ મંદિરોમાં ભરતનાટ્યમ કરવાની વર્ષો જૂની પરંપરાનો પણ અંત આવ્યો હતો.
ભરતનાટ્યમ નૃત્યને ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં સંભવતઃ ભારતનો સૌથી જૂનો શાસ્ત્રીય નૃત્ય વારસો તેમજ અન્ય ઘણા ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોની માતા તરીકે ગણવામાં આવે છે. પ્રાચીન સમયમાં તામિલનાડુના હિન્દુ મંદિરોમાં નૃત્ય દ્વારા દેવની પૂજા અર્ચના થતી. નૃત્ય દ્વારા દેવપૂજા કરનારી મહિલાઓને એ સમયે દેવની દાસીઓ તરીકે સંબોધાતી હતી. દેવદાસીઓ એ પ્રાચીન નૃત્ય શૈલીની જાળવણી કરી એવું કહી શકાય. પ્રાચીન સમયમાં ત્રણ પ્રકારની દાસીઓ હતી.
- રાજદાસીઓ
- અલંકાર દાસીઓ
- દેવદાસીઓ
દેવદાસીઓ દ્વારા ધાર્મિક તહેવારો દરમ્યાન પૂજા દરમ્યાન સવાર અને સાંજે નૃત્ય દ્વારા ભક્તિરસથી કૃતિઓ રજૂ કરતી. દેવદાસીઓ એ પ્રભુ જોડે લગ્ન કરેલ હોય છે એવું માનવામાં આવે છે. તેમનો નૃત્ય દરમ્યાન પ્રભાવ અલગ જ હોય છે. દેવદાસીઓ દ્વારા ભજવતી કૃતિઓમાં ભક્તિરસ મુખ્ય રહેતો. શ્રુંગારની કોઈ કૃતિ હોય તો પણ પ્રિયતમના સ્થાને ઈશ્વરની કલ્પના થતી. દેવદાસી પ્રથાના અંતિમ દેવદાસી શ્રી શશીમણી હતા, જેઓએ 92 વર્ષની વયે 2014 માં દેહત્યાગ કર્યો. સમય જતાં શૃંગાર રસની પ્રસ્તુતિમાં ભક્તિ રસ લુપ્ત થવા લાગ્યો અને નૃત્યની ગરિમા ઓછી થવા લાગી, પણ સમયાંતરે ભારતીય નૃત્યાંગનાઓ મૃણાલિની સારાભાઈ, તેમની પુત્રી મલ્લિકા સારાભાઈ, પદ્મા સુબ્રમણ્યમ, અલાર્મલ વલ્લી, યામિની કૃષ્ણમૂર્તિ અને અનિતા રત્નમન, કે જેઓ એ ભરતનાટ્યમની ગરિમા ફરી પ્રસ્થાપિત કરી અને સમાજમાં ફરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું.
રશિયન વિદ્વાન નતાલિયા લિડોવાના જણાવ્યા અનુસાર, ‘નાટ્ય શાસ્ત્ર‘ ભારતીય શાસ્ત્રીય નૃત્યોના અનેક સિદ્ધાંતોને સ્પષ્ટ કરે છે, જેમાં તાંડવ નૃત્ય, ઊભા રહેવાની મુદ્રાઓ, મૂળભૂત પગલાંઓ, ભાવ, રાસ, અભિનયની પદ્ધતિઓ અને હાવભાવનો સમાવેશ થાય છે. ઘણા પ્રાચીન હિંદુ મંદિરો ભરતનાટ્યમ નૃત્ય પોઝમાં ભગવાન શિવના શિલ્પોથી શણગારેલા છે. 12મી સદીના થિલાઈ નટરાજર મંદિર, ચિદમ્બરમના પૂર્વીય ગોપુરમ, ભગવાન શિવને સમર્પિત ભરતનાટ્યમના 108 મુદ્રાઓ દર્શાવતી શિલ્પો ધરાવે છે, જેને ‘નાટ્ય શાસ્ત્ર‘માં કરણ તરીકે ઓળખવામાં આવે છે, જે નાના લંબચોરસ પાનમાં જટિલ રીતે કોતરવામાં આવે છે. અન્ય નોંધપાત્ર શિલ્પ કર્ણાટકના બદામી ગુફા મંદિરોની ગુફા 1 માં 7મી સદીમાં જોવા મળે છે જ્યાં ભગવાન શિવનું 5 ફૂટ ઊંચું શિલ્પ તાંડવ નૃત્ય કરતા નટરાજ તરીકે દર્શાવવામાં આવ્યું છે. શિવ શિલ્પના 18 હાથ મુદ્રાઓ અથવા હાથના હાવભાવને વ્યક્ત કરે છે જે ભરતનાટ્યમનો ભાગ છે.
અસ્તુ
રિતેશ ભટ્ટ