તમારા જીવનનો અનુભવ કેવો છે ? કેટલો છે ? શું એ શેર કરવા લાયક છે ? તમારા અનુભવો કદાચ વિવિધ પ્રકારના અને સ્વભાવના હોય શકે.!! સારા કે ખરાબ હોય શકે ! જો તમને એક તક મળે તો તમે 35, 40, 50 કે 60 વર્ષના જીવનને કેટલા સમયમાં વર્ણવી શકો ? એના પરથી શું તમારો નિષ્કર્ષ નીકળી શકશે? તમે તમારી સ્વજાતને કઈ રીતે મૂલવી શકશો ? તમારા અનુભવો માંથી કોઈને લાઈફલાઇન મળી શકે ખરી !!? મે બસ આટલું જ વિચારીને આજનો આર્ટીકલ ડ્રાફ્ટ કર્યો. લાસ્ટ વીકમાં DIVYESHBHAI DABHI ને મળવાનો અને જાણવાનો અવસર મળ્યો, તેઓ રાજકોટમાં THE GENIOUS TALK નામનું પ્લેટફોર્મ ચલાવે છે એ માટે એમને શુભેચ્છાઓ, મને આ પ્લેટફોર્મ પર તક આપવા માટે એમનો આભારી છું.
બચપણ થી લઈને ડેન્માર્ક તેમજ યુરોપના દેશોના ખેડાણ માટે ઘણોખરો ભોગ મારા પરિવારે આપ્યો જ છે. મારે વાત શેર કરવી છે, જીવનમાં આવતા વળાંકોની, ટર્નિંગ પોઈન્ટની, એવો મુકામ કે જ્યાંથી તમારી ઝીંદગી તમારી નઝર સામેજ બદલાતી દેખાય. મારા આ અનુભવને શેર કરવાથી, તમને તેની અનુભૂતિ કદાચ નો પણ થાય પણ વિઝ્યુલાઇશ જરૂર થશે. ચાલો આ લાઈફપેજનું અકબંધ પન્નું આજે ખોલું છું.
પોસ્ટ સાથે ફોટોમાં દેખાતું એક ગિફ્ટ કાર્ડ છે, જે મને સંબોધીને ડેનિશ ભાષામાં લખાયેલું છે, જે મને અને મારા ફેમિલીને ડેન્માર્કની સૌથી જૂની એક પેસ્ટ્રી શોપમાં નવાવર્ષના (2020) આગમન અવસરે કેક સાથે કોફીનું આમંત્રણ છે.
2013થી શરૂ થયેલા વિદેશના પ્રવાસો અને કામના અનુભવો શેર કરતો આવ્યો જ છું. 2020 વર્ષનું આગમન થવા જઇ રહ્યું હતું અને હું ડેન્માર્કમાં એસ યુસવ્લ એક રેસ્ટોરન્ટમાં સવારથી જ મારા ડીશ વોશિંગના કામમાં લાગેલો હતો. આખા દિવસનો થાક મારા મોઢા પર દેખાઈ રહ્યો હતો, હું કિચન સાફ કરતાં કરતાં નેક્સ્ટ 15 મિનિટમાં કામના થાકને એક શોર્ટ શાવરથી આટોપી દઈને, કપડાં ચેન્જ કરીને, રેસ્ટોરન્ટમાં આવેલા વાઇન બાર માંથી સુપર ચિલ્ડ બિયરના 2 કેન લઈને, રેસ્ટોરન્ટ છોડવાની તૈયારીમાં જ હતો ત્યાં એવામાં એક જેન્ટલમેન્ટ આવીને મારા વર્કિંગ સ્પેસનો દરવાજો નોક કરીને કહે છે કે HELLO Dr. RITESH !! એટલે મને એવો ભાસ થયો કે સાલું આટલા વર્ષમાં મને ડેન્માર્કમાં એક કેમિસ્ટ્રીના Ph.D. સ્નાતક તરીકેની કોઈ ઓળખ મળી નથી, અને આજે વળી સુરજ નોર્થપોલમાં કઈ બાજુએથી ઊગ્યો ? ફરી એમને મને જ નામથી બોલાવીને કહ્યું કે હું આ રેસ્ટોરંટ ફ્રેન્ચાઇઝીનો માલિક છું, એવી એમની ઓળખ આપી મને રોક્યો, અને પૂછ્યું કે તું ક્યાંથી છો ? મે કહ્યું ઈન્ડિયા થી, આમ તો મારા મેનેજરે મારી બધી જ માહિતી એમને અગાઉથી જ આપી દીધેલી એવું મને પછી ખબર પડી!!. એમણે મને પૂછ્યું કે તે ડેન્માર્ક આવવાનું કેમ નક્કી કર્યું, મે એમને માંડીને વાત કરી. ખેર વાત વાતમાં એમને મારો ખ્યાલ આવી ગયો કે હું મારી વર્કિંગ પ્રોફાઇલ થી ખુશ નહોતો. એટલે એમણે મને એમના જીવન સંઘર્ષની વાત ખૂબ જ ટુંકમાં કહી. તે માલિક યહુદી હતો અને યૂરોપમાં થયેલા યહુદીઓ પરના અત્યાચારો હર કોઈ જાણે જ છે એમ કહીને એમની વાત પૂરી કરી.
છેલ્લે મને કહે છે કે તું Ph.D. કેમિસ્ટ્રી થઈને અમારી સાથે રેસ્ટોરન્ટમાં કામ કરે છે એ જાણીને હું ખુબજ ઇમ્પ્રેસ છું!! હું સમજી શકું છું કે તારી ડ્રીમ જોબ કઈ હોય શકે ?!, તારા જેવા ઇમિગ્રન્ટ્સ લોકોથી જ આ વ્યવસાય ખુબજ અદભૂત મુકામે છે અને રોમાંચથી ભરેલો છે. એમને મને હાથમાં સુંદર રીતે સજાવેલું એક ગિફ્ટ પેક આપ્યું અને કહ્યું- THIS IS YOUR GIFT, AND MUST REMEMBER THIS IS NOT YOUR DREAM JOB, MOVE ON !! આટલું કહી એમને મારી પીઠ હળવે હાથે ઠપકારી અને જતાં રહ્યા, પછી મને પણ ખબર પડી કે એ વ્યક્તિને માત્ર કોપેનહેગનમાં જ નહિ પણ યુરોપના અન્ય 22 દેશોમાં હોટેલ ધરાવે છે. એ ક્ષણ ચુકાઈ એમ નહોતી અને હજુ પણ એ દ્રશ્ય મારા આંખો સામે તરવરે છે. આ મારો છેલ્લો વણાંક, આ વ્યક્તિ મને ફરી પછી મળી નથી અને સ્વાભાવિક રીતે વળાંક પર વધુ સમય ઊભા પણ નથી રહી શકાતું.
આવનારા સમયના આટાપાટા અને આડા અવળા રસ્તાઓ માંથી ઊભરી આવતા વળાંકોને ઓળંગવા તૈયાર છું. આ મારી છેલ્લી બ્લુ કોલર્સ જોબ હતી, એ પછી મે મનોમન ગાંઠવાળી કે હવે મારે મારા પોતાના માટે કામ કરવું છે. કેમિસ્ટ્રી નહિ તો હોસ્પિટાલિટી સેક્ટરમાં, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં, એજ્યુકેશન સેક્ટરમાં. આ ઘટના પછી હું સ્વીડીશ યુનિવર્સિટીમાં ટુરિઝમ વિષય પર અનુસ્નાતક થયો, અને આ વિષયને લગતા વ્યવસાયને વળગી રહ્યો છું.
અમુક પેચિદા પ્રશ્નોની હારમાળા તરવરાટ અને ઉત્સાહ ધરાવતા લોકોના મનમાં ઉદ્ભભવતી હોય જ. આજે અભ્યાસની સાથે-સાથે આર્થિક ઉપાર્જનનું મહત્વ પણ વધ્યું છે. ઘણા ગ્રેજ્યુએટ્સ કરવા માટે મથતા હોય છે તો ઘણા ગ્રેજ્યુએટ થઈને ! ઘણા નોકરી કરવા મથતા હોય છે તો કોઈ નોકરી કરતાં-કરતાં !!, ઘણા ધંધાની લાઈનદોરી માટે મથતા હોય છે તો ઘણા ધંધાને ચલાવવા…
ઝીંદગીમાં તમે કેટલા તોફાનો જોયા છે, એનાથી લોકોને કોઈ મતલબ નથી, તમે નાવ કિનારે લાવ્યા કે નહિ બસ એજ મતલબ છે. જીવનમાં જ્યારે વળાંક આવે ત્યારે કોઈ અભ્યાસ નથી પુછતું, માત્ર અનુભવ બોલે છે, માર્કશીટ વિષે કોઈ નથી પૂછતું તમારી કેળવણી જ જવાબ આપે છે, શ્રીમંતાઈ નહિ પણ જીવનમાં ઘસારાઓ થી આવેલી ચમક જ તમને ઉજાળશે.
મારા યહુદી બોસે આપેલી ગિફ્ટ, ટિપ્સ મે કદીયે નથી એનકેશ કરી, નથી એ યુરો હજુ ખર્ચ્યા, જે મને સતત કામ કરવા માટે પ્રેરે છે. એમને આપેલી સલાહ જીવનમાં કદીય નહિ વિસરાય, જેને હું રોજે રોજ એનકેશ કરું છું. એમણે દેખાડેલો રસ્તો હવે નહિ મુકાય. એમણે મારા મનને કસ્ટદાયક સમયમાં પણ કેવી રીતે જીત્યું એ હજુ મને રોમાંચિત કરે છે.
દુખ આવ્યું છે અને આવતું રહેશે, સાહેબ, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ ‘જિંદગી.
ઝીંદગી શીખવે તે સીખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર