બુધગ્રહ વિશે પ્રાથમિક માહિતી

બુધ ગ્રહ આપણી સૂર્યમાળાનો સૌથી નાનો અને સુર્યની સૌથી નજીકનો ગ્રહ છે. કદ માં પૃથ્વીના ચંદ્ર કરતાં થોડો મોટો છે એવું કહી શકાય. સુર્યની સૌથી નજીકનો ગ્રહ હોવા છતાં,બુધગ્રહની સપાટી શુક્રની સાપેક્ષ માં ઓછી ગરમ હોય છે.

બુધ ગ્રહ કદ માં નાનો અને તેની સપાટી પહાડો અને પથ્થરોથી છવાયેલી છે. તે એક ટેરેસટેરિયલ ગ્રહ છે, બુધગ્રહના પેટાળ માં ભરપૂર માત્રા માં સિલિકેટ ધાતુ પત્થર સ્વરૂપે અથવા મેટલ સ્વરૂપે ભરેલી છે. શુક્ર,પૃથ્વી અને મંગળ ગ્રહોની માફક બુધગ્રહ પણ પથરાળ છે, આ પ્રકારના ગ્રહોના પેટાળ માં ભરપૂર માત્રા માં અગ્નિ, ખનીજ અને ધાતુઓ હોય છે જે એક બાઉલ આકારે ચોક્કસ પ્રકારના પથરાળ આવરણ થી ઢંકાયેલી હોય છે. બુધ ગ્રહ વાતાવરણ રહિત છે, છતાં સોડિયમ, હાઈડ્રોજન, પોટેશિયમ અને હીલિયમ જેવા ગેસનું પાતળું આવરણ છે. ટેરેસટેરિયલ ગ્રહોને બહુ જ જૂજ અથવા નહિવત સેટેલાઈટ (ચંદ્ર) હોય છે. બુધ ગ્રહને એકપણ ચંદ્ર નથી.

બુધગ્રહનો પાડોશી ગ્રહ શુક્ર છે. બુધ ગ્રહને પ્રાચીન સમય થી ઓળખ મળેલી છે, અને એમને જોવા માટે મોડર્ન ટેલિસ્કોપની જરૂર નથી. મારીનેર-૧૦ અને મેસેન્જર નામના બે સ્પેસ ક્રાફ્ટ બુધ ગ્રહની મુલાકાત લઈ ચૂક્યા છે.

બુધગ્રહ ૫૯ (પૃથ્વી સમય) દિવસ જેટલા સમય માં પોતાની ફરતે સંપૂર્ણ ચકકર લગાવે છે, અને સાથે સુર્યની પરિક્રમા પણ કરે છે. બુધગ્રહ સુર્યની ફરતે ૮૮ દિવસ (પૃથ્વી સમય) માં પરિભ્રમણ પૂરું કરે છે. સુર્યની સૌથી નજીક હોય, ખૂબ ત્વરિત વેગથી સુર્યનું પરિભ્રમણ કરે છે, જેને કારણે બુધગ્રહ પોતાની ધરી પર ધીમી ગતિ એ ફરે છે. માની લ્યો કે તમારું ઘર બુધગ્રહની નિયત સપાટી પર છે ,તો તમારા ઘરની છત પર બરોબર ઉપર મધ્યે સુર્યના કિરણો બીજી વખત પાછા ફરતા ૧૭૬ દિવસ લાગે છે, કારણ કે બુધગ્રહ પોતાની ધરી પર પૃથ્વીની સાપેક્ષ માં ખૂબજ ધીમી ગતિ એ પરિભ્રમણ કરે છે, માટે બુધગ્રહ પર દિવસ અને રાતનો (સુર્યઉદય થી લઈ સૂર્યાસ્ત સુધી) સમય ગાળો ૧૭૬ દિવસ જેટલો હોય છે, જ્યારે પૃથ્વી પર દિવસ–રાતનો સમય ગાળો ૨૪ કલાક જેટલો છે.

પૃથ્વી પર દિવસ-રાત વચ્ચે 24 કલાકનો સમય ગાળો એ પૃથ્વીની પોતાની ધરી પરના ચકકરને આધારિત નિયત કરેલ છે, જ્યારે બુધગ્રહ પર આ શક્ય નથી. બુધ ૫૯ દિવસો માં પોતાની ધરી પર ચકકર લગાવે છે, સાથે ખૂબજ વેગ થી સુર્યની પરિક્રમા કરે છે ,આ કારણે દિવસ-રાત વચ્ચેનોસમયગાળો વધી જાય છે એટલે ૧૭૬ દિવસે બુધ પર એક દિવસ-રાત થાય છે. જો બુધ ગ્રહ પર તમે(અને હું પણ) વસવાટ કરતાં હોય તો આપણો જન્મ દિવસ દર ત્રણ મહિને આવે !!! થાય છેને આશ્ચર્ય. આ કારણ થી જ બુધનો એક દિવસ, એ એમના એક વર્ષ કરતાં વધુ મોટો હોય છે.

બુધ પર દિવસ નું તાપમાન ૪૩૦ ડિગ્રી જ્યારે રાત નું માઇનસ -૧૮૦ ડિગ્રી જેટલું હોય છે. દિવસ અને રાત ના લાંબા ગાળા ને અને વિષમ પરિસ્થિતિઓ ને કારણે અહિયાં જીવન અસંભવિત છે.

સંદર્ભ- યુરોપિયન સ્પેસ એજેંસી, NASA અને SPACE.COM