મુર્તુઝાભાઈ- હવે સાબરમતીને કિનારેથી

આપણાંમાંથી ઘણાં એવાં હશે જેઓનું બાળપણ ‘સાવ ગયેલું’ રહ્યું હશે. મા એ સ્કુલના શર્ટ પર ઘણીવાર ગરીબાઈનું રફૂ માર્યું હશે, પેન્ટનું ‘ઓલ્ટરનેટ’ લેવાને બદલે ઓલ્ટર કરી ચલાવ્યું હશે. (ને પપ્પાઓને તો જાણે કાણાં વાળા ગંજીઓથી ‘ચલાઈ લેવાની’ આદત હોય છે જ.) પછી જુના કેલેન્ડરના પાછળ રહેલાં કોરાં પાનાઓની નોટબૂકમાં ઝિન્દગીના ગણિત ગણ્યું હશે. ખરું ને?

આવું કરવું દરેક વાલીઓને ગમતું તો નથી જ. પણ સંજોગોનું તાળું તેમને સમયાંતરે આવી ચાવીઓ શોધવાનું કામ આપતું રહે છે. એટલે જ ચલાવી લેવાનું, ચાલી જવાનું, ચાલતા બનવાનું અને ચાલતા રહેવાની આદત આપણાં મા-બાપુજીઓ એ બાળપણથી પાડી છે.

ટૂંકમાં, આપણને નાનકડી ‘ગરીબી’ની પ્રેક્ટિકલ વ્યાખ્યા ત્યારે જ ખબર પડી જ્યારે મોટા બની એવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું.

રાજકોટમાં રહેતા દિનેશભાઇ અને ભાવનાબેન ભટ્ટને પણ થોડાં વર્ષો પહેલા એવાં જ અનુભવોમાંથી તેમના એક દીકરાની પરવરીશ માટે પસાર કરવા પડ્યા. ઘણું બધું ચલાવી લઇ દીકરાને દોડતો કર્યો.

દિલથી આપેલા દેખભાળના ‘ઇન્વેસ્ટમેન્ટ’ની સામે દીકરાએ દિમાગમાંથી સ્માર્ટનેસનું ‘રિટર્ન’ એન્જીનિયરિંગમાં ડોક્ટરેટ સાથે પાછું વાળ્યું. બોનસમાં એક વધુ દિલદારી અને સમજુ પૂત્રવધૂ પણ મેળવી. તેના પગલે દિકરાને તેનું ભાગ્ય કોપનહેગન (ડેન્માર્ક) શહેરમાં લઇ આવ્યું. આ દિકરો અને વહુ એટલે ફોટોમાં દેખાતા પ્રેમી પંખીડા Ritesh Bhatt અને Krupa Mehta.

આ થઇ લાખો શબ્દની એક વાત વાળું તેમનું ઇન્ટ્રોડક્શન. મૂળ વાત હવે શરુ કરું છું.

બાળપણમાં માવતરે આપેલી રાજકોટી મુલાયમ પથારી અને તકિયાની નીચે દબાવેલી સખ્ખત ગરીબાઈ રિતેશને પણ સમજણ આવ્યે સમજાઈ તો ગયેલી પણ તેનું ઋણ ચૂકવવું શી રીતે? એની મથામણ રિતેશને કાયમ ખટકતી.

| “પપાએ તો મનેહ તો ત્રેવડ નો હોવા છતાં સરકારી શાળાને બદલે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાઈવો પણ પછી હું? મારા જેવડાં કેટકેટલાંય છોકરાંવ સીયે જેને મારી જેમ મોટી સ્કૂલમાં ભણવાની બવ મરજી હઈશે હોં!!! હવે જો એવી સરકારી શાળાઓને જ નાના પાયે ‘મોટી’ બનાવીયે તો?!!? |

વિદેશમાં નોકરી કરીને બે પાંદડે થયેલા રિતેશને ‘આપડી મા ભોમ માટે કાંઈક તો કરવું જોયે’ની સુપર શક્તિએ અનોખું જોમ આપ્યું. અને દીકરી પિયા જન્મે એ પહેલા જ તેણે ૨૦૧૭થી રાજકોટની એક નહિ, પણ છ સરકારી સ્કૂલોને દત્તક લઇ લીધી. વિવિધ પ્રવૃત્તિઓ અને નવા ઓપ માટે આખા વર્ષનો ખર્ચો ઉપાડવાનું શરુ કર્યું.

૨૦૧૯ના વર્ષ દરમિયાન તેની અગનપંખ ફાઉન્ડેશન દ્વારા બીજી લગભગ ૭૦ સરકારી શાળાઓને ધીમેધીમે સરકારી ધોરણે દત્તક લેતો રહી સરકારને આડકતરી રીતે સહકાર આપવાની તેની નિયત કરે તો તેની પર ઈશ્વરની સાથે પત્ની ‘કૃપા’નો સાથ પણ વરસે જ ને?

અત્યારે રિતેશ સરકારી શાળાઓને એક ડિજિટલ નેટવર્કથી જોડી પોર્ટલ બનાવી રહ્યો છે. તેના પ્લાનનો પ્લાંટ મને ઘણો મોટ્ટો દેખાય છે. જેના માટે એક આર્ટિકલ સાવ નાનો લાગે છે.

આજના દિવસે રિતેશને તેની વર્ષગાંઠના મોકા પર આપણાં સૌના આશીર્વાદ તો આપીયે. સાથે એવાં સહકારની નિયત પણ કરીયે કે જેનાથી સૌનું ભલું થાય. જેઓ શિક્ષણ ક્ષેત્રે તેની સાથે કાંઈક અવનવું કરવા માંગતા હોય તેને કોન્ટેક્ટ કરી શકે છે.

તેની ‘સખત ગરીબાઈ, અથાક પરિશ્રમ’ પર એક આખું પુસ્તક લખી શકાય એવી મજેદાર કથા પૂરું પાડતા આ શ્રવણી ‘રિતેશડો અને કૃપાડી’ સાથે જ્યારે પણ હું વિડીયો કોલથી વાત કરું છું ત્યારે ‘ઈ બંને જણા મને દોસ્તોને બદલે મારા વ્હાલાવ લાગ સ લ્યા !’