શિવ એટલે અલગારી

શ્રી રામેશ્વર મહાદેવ મંદિર શિવ શક્તિ કોલોનીના મહંત શ્રી શંકરપરી શંભુપરી ગોસ્વામી આજરોજ શુક્લપક્ષની વરદ ચતુર્થી અને ચાર નવરાત્રીઓ માની એક ગુપ્ત નવરાત્રિના ત્રીજા દિવસના અવસરે  કૈલાશ શરણ પામેલ છે. જીવનનો મોટાભાગનો સમય શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના મહંત તરીકે સેવા આપનાર, નિયમિત શિવ ભક્તે આજે શરીર સ્વરૂપથી વિરામ લીધો, અને શિવશક્તિ કોલોનીના મોભી, વડીલ તરીકે વિદાય લીધી. પ્રભુ એમની સદગત આત્માને મોક્ષ આપે એજ પ્રાથના. સમગ્ર પરિવાર અને શિવ શક્તિ કોલોનીના હજારો લોકોના પૂજનીય વડીલ શ્રી આજે એમની અનંતયાત્રા પ્રયાણ કરી.  સમસ્ત શિવ શક્તિ પરિવાર તરફથી દુખની લાગણી વ્યક્ત કરું છું.

જેનું અસ્તિત્વ નથી એજ તો છે શિવ ,અલગારી, એમની નજીક એમના ભકતો જ રહી શકે. સતત 5 દાયકાઓથી વધુ સમય સુધી શિવજીની સેવા કરવી એ શિવની ખુબજ નજીકનો જીવ હોય, દૈનિક ક્રિયા જ શિવજીની આરતી થી શરૂ થાય અને દિવસની પૂર્ણાહુતિ પણ શિવથી, અસંખ્ય લોકોના દુખો સાંભળીને સાંત્વના આપવી, દુખીઓના દુખે દુખી અને સુખીઓના સુખે સુખી એવા શિવભક્તને પ્રભુ પોતાના શરણમાં સ્વીકારે એજ પ્રાર્થના. આપની હાજરી હમેશા રામેશ્વર માહદેવ મંદિરને તેજ અર્પણ કરનારી રહી છે. પ્રભુને પ્રાર્થના કે આપનું તેજ, પવિત્રતા, નિષ્ઠા, સેવભાવના આવનારી પેઢીઓ પર આશીર્વાદ બનીને સદાય અમારી વચ્ચે રહે.

મહાદેવ એ છે જે નથી, અને જે નથી એ જ તો છે મહાદેવ. અજન્મ એવા, ના આદિ ના અંત, વિદ્યાના તીર્થ, સંસારી છતાં વૈરાગી, સર્જન અને વિસર્જનના રચેયતા, કૈલાશપતિ, આદિ-અનંત અને સર્વવ્યાપી, સદાય પરમાનંદી અને વૈરાગી , બધા કારણોનું પ્રમુખ કારણ, મહાયોગી, નિરાકાર , નિર્ગુણ, ગંગાધર ,ચંદ્રશેખર,  કર્પૂર સમાન ગૌરવ વર્ણી, નીલકંઠ, રુદ્રાક્ષ જેના આભૂષણ અને ત્રિશુળ જેનું હથિયાર, ભસ્મ રૂપી સુશોભન અને સુંદરતાની પરિભાષા અને આકર્ષણની પરાકાષ્ઠા, નીરંજન, કાળોના કાળ, મહાકાલ, પ્રત્યેક મૃત્યુલોકમાં મરનારા, અમર-અવિનાશી, સૂક્ષ્મ-તૃણ અને મહાપર્વત, પૃથ્વી- આકાશ, બંધન-મુક્તિ, વિષ-અમૃત, જ્ઞાન-અજ્ઞાન, કાળ-કુળ, દુવિધા અને નિર્ણય, પ્રકાશ અને અંધકાર, શાંત-અશાંત, બ્રહ્મા-નારાયણ, દેવાધિદેવ, ભોળાનાથ રામેશ્વર મહાદેવ સદાય આપની સાથે રહે.

આજે એક જીવ જીવ શિવ માં મળી ગયો.

તા. 4 ફેબ્રુઆરી 2022