કઈ ઉમરે તમે તમારા સપનાંને ભૂલવા માંડો છો ? જીવનમાં કઈ નવું કરવા માટે મોડામાં મોડો કયો ઉમરનો પડાવ હોય શકે?
સપનાઓ અને અભરખાઓ વચ્ચે સહેજ માત્ર પાતળી ભેદ રેખા હોય છે. સપનાઓ મુક્ત હોય છે, જ્યારે અભરખાઓ અથવા અબળખો તીવ્ર માત્ર લાલસા હોય છે, એ પછી કોઈ પણ હોઈ શકે.
હાલમાં જ હેલસિંગોર ડેન્માર્કમાં યોજાયેલી ચેસની જૂની અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 41ST કોપેનહેગન ચેસ ફેસ્ટિવલમાં નૉર્વેના પાંચ વખત ચેસ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વર્તમાન ચેસ વર્લ્ડ ચેમ્પિયન ગ્રાન્ડ માસ્ટર માગનુસ કાર્લસેનને 16 વર્ષીય ભારતીય કિશોર #Praggnanandhaa એ ત્રણ મહિનામાં બબ્બે વખત માત આપી. તો કોઈ બાળક મોડું ભણતા શીખે અને જીવનમાં અરસાઓ પછી નોર્મલ લાઈફની રેસમાં કૂદે છે.
ઘણા લોકો અભ્યાસ પૂરું થતાંની સાથે જ વેલ એસ્ટાબ્લીશ કંપનીના CEO બની જાય છે અને પોતાનું કેરિયર કદાચ 50 વર્ષમાં આટોપી લે છે, તો કોઈ નિષ્ફળતાઓના શિખરો કોતરીને 50 વર્ષની ઉમરે અનુભવના જોરે પોતાના બળબુતા પર CEO બને છે અને 90 વર્ષ સુધી સફળતાના સ્વાદને વહેચે છે.
ઘણા લોકો સાંસારીક કલેહથી દૂર રહી હજુ પણ સિંગલ જીવન જીવતા હોય છે તો ઘણા પોતાની સંસારીક ઝીંદગીમાં બીજી કે ત્રીજી પેઢી જોઈ ચૂક્યા હોય છે. ઘણા લોકો માતા-પીતાનો સહારો બનવાને પ્રાયોરિટી આપે છે તો ઘણા લોકો પોતાની કેરીયર માટે સ્વતંત્રતા અને સ્વછંદતાનો ભેદ સમજી શકવામાં અશક્ષમ હોય છે.
અમેરીકન રાષ્ટ્રપતિ ઓબામા 55 વર્ષે પોતાની પ્રોફેશનલ લાઈફ માંથી રિટાયર્ડ થઈ જાય છે, તો માનનીય મોદી સાહેબ 71 વર્ષે પણ યુવાનોને શરમાવે એવી ઓરા લઈને ભારતમાતાની સેવા કરે છે.
તમારી આસપાસ તમારાથી પ્રોફેશનલ લાઈફમાં ઘણા લોકો આગળ હશે તો ઘણા જોજનો દૂર હશે જ. તમારાથી કોઈ ભૌતિક રીતે સમૃદ્ધ હશે તો ઘણા પ્રાથમીક સુવિધા માટે ઝઝુમતા હોય છે.
મિત્રો !! દુનિયામાં બધા વ્યક્તિગત જીવનમાં પોતપોતાની રેસમાં દોડતા હોય છે. કોઈ તમારાથી આગળ તો કોઈ પાછળ. મનુષ્ય માત્ર નિર્ધારીત સમયકાળમાં કર્મબળને આધારે આગળ વધતો હોય છે. જીવ માત્ર પોતપોતાનાં ટાઈમ ઝોનમાં જીવન જીવતા હોય છે.
વિશ્વનિયંતાને ખ્યાલ જ હોય છે કે કિડીને કણ અને હાથીને મણ આપવાનું જ હોય છે. ઈર્ષાળુ માણસ બિનજરૂરી સંઘર્ષોને પાળીને પોતાના અમૂલ્યવાન પળોને દેખા-દેખીમાં જ ઓછા કરતો હોય છે. જો ઈર્ષા અને દંભને આ ટેકનોલોજીના સમયમાં ડિલીટ કરી શકાતા હોત તો કદાચ આજે ઘણી ઝીંદગી બચી જાય, સંભળી જાય અને ઘણા પરીવાર સમૃદ્ધિ પામે જ. અખીલ બ્રહ્માંડના માલીકને સમજો, અને તેની સ્વીકૃતિ કરો. કોઈ તમારાથી વહેલું નથી અને તમે કોઈનાથી મોડા નથી.
હજી તો સાથે રહેનારા મને સમજી નથી શકતા, નથી જે સાથે મારા, મારો ઝંઝાવાત શું જાણે – મરીઝ