શાળાઓ શરૂ થઈ ગઈ છે અને વિવિધ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાની શાળાની વિશેષતાઓ ગણાવીને, તો વાલીઓ પોતાની ક્ષમતા પ્રમાણે બાળકને શાળાએ એડમીશન કરાવીને સંતોષ લેતા હોય છે. ખુબજ ઝડપથી વિકસતા આ શૈક્ષણિક બજારમાં એક વ્યવસ્થીત ત્રાગડો ગોઠવાઇ રહ્યો છે શાળાઓનો, વિદ્યાર્થીઓનો અને વાલીઓનો.
એવામાં આજે સવારે જ મારી મુલાકાત સાહિલ સાથે થઈ!!. સાહિલ દાહોદના ગરબાડા તાલુકામાં ધોરણ 8, 82% માર્કસ સાથે ઉતીર્ણ થઈ અને છેલ્લા 2 મહિનાથી એમના માતા-પિતા સાથે રાજકોટ વેકેશન પર હતો. સાહિલના માતા-પિતા રાજકોટમાં બાંધકામના મજૂરી કામ સાથે જોડાયેલા છે અને અટપટા જીવનના આટાપાટા ઉપર પા-પા પગલી કરતાં બિન્દાસ્ત સાહિલને કિનારે પોહચાડવા માટે તૈયાર કરી રહ્યા છે. સાહિલ ચા પીવડાવતા પીવડાવતા વાસ્તવમાં પોતે જડીબુટ્ટીઓ રૂપી જીવનના અનુભવની કડવાહટને ગળી રહ્યો છે. ખેર !! આજે સાંજ સુધીમાં તો સાહિલ રાજકોટ છોડીને પોતાના વતન દાહોદ ભણવા જતો રહ્યો હશે પણ એમની વેકેશનમાં કામ કરવાની બાબત મને સ્પર્શી ગઈ. જે એમને પૈસાનું મૂલ્ય કરતાં શીખવશે, તે કદાચ નિશાળમાં નો પણ શીખવા મળે. જતાં જતાં સાહિલે મારો નંબર લીધો અને કહ્યું કે હું શાળાએ પોહચી ને મારા ટીચર સાથે વાત કરાવીશ.
છેલ્લા એકઝેટ 1 વર્ષ દરમ્યાન હ્યુમન જિયોગ્રાફી એન્ડ માઈગ્રેશનને લગતા એક પ્રોજેક્ટ : ‘color of blue collars in India’ વિષય અંતરગર્ત ઘણા મંતવ્યો લીધા છે, સ્ટોરી લખી છે, મુખ્ય અભિપ્રાયો સંકલન કરવા માટે ટાર્ગેટ ઓડિયન્સ તરીકે, વિદ્યાર્થીઓને, શીક્ષકોને અને વાલીઓને મળ્યો છું. ભણવાની સાથે કામ કરતાં હોય તેવા બાળકો, અને એકદમ પ્રીવિલેજ બાળકો, બ્લૂ કોલર્સ જોબ કરતાં વાલીઓ, જીવન ટકાવી રાખવા જદ્દોજહેત કરતાં મુઠઠીભર વાલીઓને, તેમજ વ્યવસાયી, અપર મિડલ ક્લાસ પ્રોફેશનલ વાલીઓને પણ મળ્યો છું. સરકારી શાળાના શિક્ષકોને પણ મળ્યો છું તો પ્રાઇવેટ સંસ્થામાં મજૂરની જેમ નોકરી કરતાં ક્વોલિફાઇડ શિક્ષકોને પણ મળ્યો છું.
ઘણા બધા તર્ક-વિતર્ક સાથે હજુ પણ હું મનોમંથન કરું છું અને મારા વિચાર ઓપનલી ડિસકસ કરતો હોવ છું. વોકેશનલ સ્કિલ્ડ જોબ તેમજ અન્ય બ્લૂ કોલર્સ જોબ સાથે સંકળાયેલો વર્ગ ઘણો મોટો છે. સર્વેના તારણ મુજબ એક શહેરના 70% થી વધુ લોકો કહેવાતી લો પ્રોફાઇલ જોબ્સ કરીને ગુજરાન ચલાવતા હોય છે.
આપણે આખા દેશની ચર્ચા ના કરતાં આપણા શહેરને જ ધ્યાનમાં રાખીને વાત કરીએ તો હું રાજકોટમાં પર્સનલી એક છેલ્લા એક વર્ષથી દર મહીને 10 એવા વાલીઓ અને વિદ્યાર્થીઓ ને રૂબરૂ મળું છું, અને એમની વાત સાંભળું છું.
મને હજુ પણ થોડા પ્રશ્નો છે કે
- શું આપણે ખરેખર આપણી શીક્ષણ પ્રણાલીને યોગ્ય ન્યાય આપીએ છીએ ?
- પ્રાથમિક શિક્ષણને પ્રચારની જરૂર છે કે પ્રસારની જરૂર છે?
- વાલીઓ પોતાના બાળક માટે ચિંતિત છે કે ચિંતન કરે છે ?
- વાલીઓ પોતાના બાળકને પોતાની આવડત વારસામાં આપે છે કે બસ ઢહડા કરીને કોઈ પણ રીતે બાળકને હોડમાં જ મૂકી દે છે ?
શૈક્ષણીક યોજનાઓ જેટલી ઘણી બને છે અને ઘણી કાગળ પર પુરવાર થાય છે. તર્કબદ્ધ રીતે વિકસતા આ શૈક્ષણિક બજારમાં માજા મૂકતી આ દેખાદેખી એ આજે બાળકનું બાળપણ છીનવી લીધું છે. ફી સ્ટ્રક્ચર આધારીત શાળાઓથી બાળકના મૂલ્યાંકન થાય છે. પરસ્પર સામાજીક અંતર વધી રહ્યું છે જેની ભરપાઈ થઈ શકે એમ નથી. પણ આ ગતી ચોક્કસ અવરોધી શકાશે.
આ પોસ્ટ લખતા લખતા સાહિલ આંખે તરવરે છે અને બેફામ સમુંદરની લહેર તેને કહે છે, કે
હું ઉછાંછણી લહેર અને તું શાંત કિનારો.
હું ભટકું આમ-તેમ, ને તું જાણે મને સાચવ તો આરો !!
સાહિલને ઝીંદગીના પડાવમાં ફરીથી શરૂઆત કરવી પડશે, પણ એ સહેજ પણ ગભરાયા વીના આ વખતે શરૂઆત શૂન્યથી નહિ પણ રાજકોટના અનુભવથી થશે, જે તેનું મોરલ ચોક્કસ વધારશે.
જરૂરિયાતનો સમુદ્ર હવે રઘવાયો બન્યો છે, અહમથી ટકરાઈને નખસીખથી પસ્તાયો છે. !!!