ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ

ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ પૂર્ણ કરતાંની સાથે સાથે લગભગ ૧૭ દેશ , ભારતના ૨૦ થી વધુ રાજ્યો અને ગુજરાતના લગભગ બધા જ જીલ્લાઓમાં મુસાફરીના અનુભવ દરમ્યાન એટલી તો સમજ કેળવી છે કે લડાઈ તો તમારેજ લડવાની જ છે, એ પછી તમારી સાથે હોય ,શિક્ષણ , સમાજ કે પછી દેશ, જો તમે પરીવર્તન ચાહતા હોવ તો બધી જ બાબતે તમારે જ શરૂઆત કરવી પડે .

રાજકોટ છોડ્યાના ૧૨ વર્ષો વિત્યા, ૫ વર્ષ યુરોપના વિકસિત દેશોની શિક્ષણ પદ્ધતિને એકદમ નજીક થી જોવાનો લાહવો મળ્યો અને માળ્યો પણ.,પણ આજે આપણી શાળા અને શિક્ષણ પદ્ધતિ તેમજ શિક્ષકોના ટેલેન્ટનો સદ ઉપયોગ આપણે સંપૂર્ણ પણે કદી કરી શક્યા નથી. ગુજરાતની લગભગ ૨૫૦ શાળા સાથે પ્રત્યક્ક્ષ અને પરોક્ષ રીતે કામ કર્યું છે, ધીરે ધીરે સમજવા અને સમજાવવાના પ્રયત્નો કર્યા છે. રિજલ્ટ ૫% જ પોજીટીવ. ભારત દેશમા ટેલેન્ટની કોઈ જ કમી નથી, યોગ્ય રીતે એમને બહાર લાવવા શિક્ષકોનો કોઈ જ વિકલ્પ નથી.. સરકારી શાળાને અને વિધાર્થીનો જ્યાં સુધી નૈતિક રીતે જુસ્સો વધારવામા નહીં આવે તો આ શિક્ષણ વેપાર કરવા માટે પ્રથમ પસંદગી બની જશે, લગભગ તો મોટા શહેરોમા તો કઈ બાકી જ નથી રહ્યું.

મારા વૈશ્વિક અનુભવોના નિચોડને મે દાહોદ જીલ્લામા ઠાલવવાનું નક્કી કર્યું છે. પી.એચ.ડી. ( કેમેસ્ટ્રી) ૨૦૧૧ મા પૂર્ણ કર્યા પછી યુરોપના ઘણા દેશોમાં પોતાની જાતને ઓળખવાનો અવસર મળ્યો. ભણતર ત્યારે જ સંપૂર્ણ થાય જ્યારે તેમાં ગણતરનો સમાવેશ થાય. આ ઉમરમાં અભ્યાસની સાથે લગભગ ૨૫ જેટલી રેસ્ટોરન્ટમાં કામ કરવાનો , લોકોના ઘરસાફ સફાઈ , ન્યૂજ પેપર ફેકવાનો , વાસણ માંજવાનો , પબ નાઇટ ક્લબમાં કામ કરવાનો , ડેલીવર બોય, બાર ટેન્ડરનો કે પછી સફાઈના કામ કાજનો ,બહોળો અનુભવ મળ્યો . આટલું ભણીને પણ આટલું કરવાની નહીં પણ લોકોને જણાવવાની હિમ્મત કેળવી છે , મારી જાતને નજીક થી જાણી અને પારખી છે , આવા અસંખ્ય લોકો છે જે વિદેશમાં રહીને દેશ પ્રેમ વ્યક્ત નથી કરી સકતા .ઘડિયાળના ૨૪ કાંટાની સમક્ષ કામ કરવાની આંતરિક ઉર્જા કેળવવી એ વિદેશમાં રેહતો એક ભારતીય ૧૦૦% વર્ણવી શકસે. દેશ માટે વિદેશમાં કાનૂની પ્રતિકિયા કરેલ જ નહીં પણ જીતેલ પણ છે , ફક્ત હકનું મેળવવા માટેની જીદ દ્વારા મેળવેલ જીત હવે આ એક મિજાજ બની ગયો છે. આજ મિજાજે મને યુરોપ બધા જ પ્રકારના અનુભવો, પડકારો માથી ઉગાર્યો જ નહીં બલ્કે મજબૂત પણ બનાવ્યો છે, જીવનમાં સમયની કિમત સમજાવી અને હા મા-બાપને પણ મે સંતોષ કરાવ્યો જ ,એમના આશીર્વાદ વગર આ બધુ વ્યર્થ. હું અને મારી પત્ની એકલા જ ભારત છોડીને ડેન્માર્ક આવ્યા આજે લગભગ ૬ વર્ષ પૂર્ણ થવા પર છે , હાલ એકબીજા સાથે કાંધે કાંધો મિલાવી અને અમે જોયેલા સપનાને ધીરે ધીરે સર કરીયે છીયે. સ્થાયી છીયે , સુખી છીયે . ઘણા બધા અપ –ડાઉન જોયા પછી અમે ગુજરાતના દાહોદ જીલ્લાને પસંદ કરેલ છે. અહીની સ્કૂલના મધ્યમ થી અમારા અનુભવને કારણે જો કોઈનું જીવન બદલાતું હોય તો અમે આજે તૈયાર છીયે. જો અમારા અનુભવ દ્વારા અંતરિયાળ ગામના લોકોની વિચારસરણીમાં લડાયક અભિગમ આવતો હોય તો અમને જાહેર કરવામાં શેની શરમ.

ખાસ કરીને દાહોદની અંતરિયાળ ગામની શાળામાં એક દશકો વિતાવવાનું નક્કી કરેલ છે, માત્ર શિક્ષણ જ નહીં અહીની સામાજિક પરિસ્થિતીની પણ આજની ૨૧ મી પેઢી એ નોંધ લેવા જેવી ખરી, કારણ કે ભાગ્યેજ અહિયાની પરિસ્થિતી થી કોઈ વાકેફ નહીં હોય. ગુજરાત કક્ષા એ જ વાત કરીયે તો અન્ય જીલ્લાની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા પાછળ છે. મે પણ શિક્ષણમાં પરીવર્તનનું સ્વપ્નું જોયું છે , જાણ્યું અને માણ્યું પણ છે, આજે મારી સાથે મારા માતા-પિતા અને પરિવાર , મારા શિક્ષકો, મારી અગનપંખ ફાઊંડેશનની ટીમ ઉપરાંત મારા સ્કૂલ, કોલેજ , યુનિવર્સિટી, દેશ અને વિદેશમાં વસતા હજારો ભારતીયોનો ખુબજ વૈચારિક સપોર્ટ મળી રહ્યો હોય , અમે દાહોદના દેવગઢ બારિયા તાલુકાની નાનીખજુરી પ્રાથમિક શાળાને અમે વર્લ્ડ ક્લાસ કક્ષાની બનાવાનો સંકલ્પ કર્યો છે. લાંબા ગાળાના એક પ્રોજેકટમાં અમે આ શાળાને વિશ્વ કક્ષા એ હરીફાઈમાં  પ્રસ્તુત કરી સકાય એવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ શાળાના વિદ્યાર્થી દેશ- વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે એ માટે અમે ચોકકસ ‘પ્રોજેકટ ટાઇમલાઇન’ હાથ ધરી અને શાળા સાથે તાલ મિલાવી કામ કરી રહ્યા છીયે. ખાસ કરીને આઇએએસ કક્ષાના અધિકારીઓ અને ગામના મોભી તેમજ શિક્ષકો સામે ચાલીને આ શિક્ષણ સ્તર સુધારા માટે કટિબદ્ધ છે. વિધાર્થીના ચરિત્ર નિર્માણની સાથે તેઓ વિવિધ સ્પર્ધામાં હોશભેર ભાગ લે અને હમેશા સ્પર્ધાત્મક પરીક્ષા કે પછી જીવનના કોઈ પણ તબબકા સાથે બાથ ભીડવા માટે સજ્જ રહે તેવા જ ચોક્કસ અભિગમ થી આ શાળા માટે સંકલ્પ કરવામા આવેલ છે. દાહોદ અને નર્મદા, કુદરતના ખોળે ઉછરતા ગુજરાત રાજ્યના રમણીય જીલ્લા કે જે ભારત દેશ સ્વતંત્ર થયાના ૭૨ વર્ષો થવા છતાં તે હજુ આ દેશના કુલ ૧૧૫ મહત્વાકાંક્ષી જીલ્લાઓની સૂચિમાં છે. સુરજનું પ્રથમ કિરણ ગુજરાતમાં દાહોદ જીલ્લામાં પડે છે , શિક્ષણ રૂપી કિરણ દ્વારા હવે અંજવાળું પ્રસરાવવાનો સમય પાકી ગયો છે.

उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगाः।