હું ડૉ. રિતેશ, કેમેસ્ટ્રી વિષયમાં સંશોધક છું અને લાંબા અરસાથી વિદેશ રહું છું. હું મારો મોટાભાગનો સમય મારા માટે મહત્વની દરેક વસ્તુ, ઉત્તમ નેટવર્કિંગ, કલાત્મક શહેર, સુંદર લોકો, મારો પરિવાર અને મિત્રોથી પ્રેરિત થવામાં પસાર કરું છું. 37વર્ષના જીવનમાં હું 15 વર્ષથી ‘રસ્તાઓ’ પર છું. 9 શહેરોમાં રહ્યો છું, 12 વખત સ્થળાંતર કર્યું છે અને જીવનમાં 16 દેશોની મુસાફરી કરી છે. 2014માં ડેનમાર્કમાં કામ અર્થે મેં 26 વર્ષની ઉંમરે સૌ પ્રથમ વાર ભારત છોડ્યું જે મારા જીવનનું શ્રેષ્ઠ વર્ષ હતું, ત્યારથી હું ખરેખર સ્થાયી થઈ શક્યો નથી. મને નવા શહેરો, તેમની ઊર્જા, ત્યાંના લોકો અને તેમની સંસ્કૃતિ જાણવી ગમે છે. મુંબઈ, કોપનહેગન, પેરિસ, સ્ટોકહોમ, ઓસ્લો અને ફ્રેન્કફર્ટ, કતાર, મસ્કતના પ્રવાસોએ મને મારા માટે સૌથી મહત્વપૂર્ણ એવા મૂલ્યો, આદર, ઉદાર મન કેળવતા શીખવ્યું છે. બીજા દેશમાં જવું ચેલેન્જિંગ હોય છે, પરંતુ તે તમારા આત્મવિશ્વાસ અને આત્મ-સન્માનમાં વૃદ્ધિ કરશે. જો તમે કિશોરવયના છો, શારીરિક રીતે ફિટ છો, શીખવા અને વધુ સારા બનવાની ભૂખ છે, તો હું તમને મુસાફરી કરવાનું કહીશ – શક્ય હોય ત્યાં સુધી અને વ્યાપકપણે. જો તમારે જમીન પર સૂઈ જવાનો વારો આવે તો સૂઈ જજો. દુનિયામાં અન્ય લોકો કેવી રીતે રહે છે, ખાય છે અને રાંધે છે તે જાણો. તેમની પાસેથી શીખો – તમે જ્યાં પણ જાવ.
હું હંમેશા જીવનની ઉજ્જવળ બાજુ જોઉં છું અને શોધું છું. સતત બદલાવ અને પરિવર્તનને કારણે મને સ્વઉર્જા મળી છે. મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ગમે છે. નવી વસ્તુઓ કરવા માટે મારી જાતને પડકારુ છું, કંટાળો એ મારી શરમ છે, પરંતુ એક વ્યક્તિ તરીકે અંતર્મુખી, મારી જાતને એક ક્ષણ માટે રોકી, શ્વાસ લેવાનું અને સ્મિત કરવાનું પસંદ કરું છું. સહાનુભૂતિ એ મારી સૌથી મોટી તાકાત છે. વ્યક્તિ તરીકે લોકો મારા પર વિશ્વાસ કરી શકે, ભરોસો મૂકી શકે. મારા મૂલ્યો, સદ્ગુણો અને વિચારો થકી પ્રસન્ન અને સાચા રહીને જીવનમાં સંતુલન મેળવ્યું છે. હું એવું જીવન જીવવા માંગુ છું જેવુંમે ખુલ્લી આંખે સ્વપ્નમાં જોયું છે. જીવન પાસેથી ન કોઈ અપેક્ષા કે ના કોઈ રંજ, હું અફસોસ વગર જીવવા માગું છું. મારા કરેલા કર્મો થકી યોગદાન આપવા માગું છું.
જ્યારથી હું વાર્તાઓ લખું છું અને પાત્રો બનાવું છું ત્યારથી હું કેવી રીતે લખવું તે શીખ્યો છું અને આજે, મેં તમને મારા શ્રેષ્ઠ પાત્ર – ‘MYSELF’ નો પરિચય કરાવ્યો છે.
”જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એજ કે એ જોઈ હું ભાગી નથી શકતો” – ‘બેફામ’