‘THE RICHEST POOR COUPLE – THE END OF AN ERA’

1928 માં જુનાગઢ જિલ્લાના બાંટવાની નજીક મેમણ મુસ્લિમ પરિવારને ત્યાં જન્મેલા ‘અબ્દુલ સત્તાર ઇદી’ના   નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમ્યાન કર્મ એમને કરાંચી ખેંચી ગયું. બચપણની પોતાની નાજુક પરિસ્થિઓને ખુબજ નજીકથી જીવેલા અને અન્ય માઈગ્રન્ટ પરિવારોની માફક ગરીબી અને અરાજકતાનો ભોગ બનેલા.

પ્રચંડ આત્મબળના માલીક અબ્દુલ સત્તારની વાતો એક આર્ટીકલ અથવા ફેસબુક પૉસ્ટથી વર્ણવી શક્ય નથી, પણ આજે એમની થોડી માહિતી શેર કરવું છું. ગરીબીને કારણે એમની માતૃશ્રી પાગલ અવસ્થામાં મૃત્યુ પામ્યા ત્યારે તેઓએ એક મક્કમ નિર્ણય કર્યો, પરસેવો પાડીને પરસેવા કરવાનો. માંગી ભીખીને પૈસા એકઠા કરીને એક નાની એવી એમ્બ્યુલન્સ લઈને હરતી ફરતી ડિસ્પેન્સરી ખોલી. બિલખતા-સિસકતા ગરીબ દર્દીઓની શુશ્રૂષા કરવાનું શરૂ કર્યું. સેવાનો આ મહાયજ્ઞ એટલો પ્રજ્વલિત થયો કે આજે અબ્દુલ સત્તાર ઇદીના નામ પર 1800 થી વધુ કાર એમ્બ્યુલન્સ, 3 એર એમ્બ્યુલન્સ અને એક હેલિકોપ્ટર, 300 જેટલા ડિસ્પેન્સરી સેન્ટરો અનેક હોસ્પિટલો અને શાળાઓ, મેરેજ બ્યૂરો, વૉલંટિયરોનું ઇન્ટરનેશનલ નેટવર્ક છે, જે કોઈ પણ દેશમાં આફત આવે તો નાત જાત જોયા વગર સેવા કરે છે.

સરહદના સીમાડા ભૂલીને ભારત સરકારશ્રી એ ગાંધી પીસ એવોર્ડસથી સન્માનિત કર્યા છે, તો લેનિન પીસ એવોર્ડસ, ગરીમાં સમાન રામોન મેગસેસ એવોર્ડ, લંડન પીસ એવોર્ડસ , યુનેસ્કો પીસ એવોર્ડસ ઉપરાંત વિવિધ દેશો માંથી 250 થી વધુ પુરસ્કારો દ્વારા નવાઝેલા હતા છે. જીવ્યા ત્યાં સુધી ખુલ્લે આમ પાકિસ્તાનની અરાજકતા સામે અવાજ ઉઠાવતા રહ્યા, સ્થાનિક નેતૃત્વને ખુલ્લેઆમ વખોડનાર અબ્દુલ સત્તર કોઈ દિવસ સતાધારી પક્ષ પાસેથી આર્થિક મદદ લીધી નહિ.

કુટુંબ કબીલાઓને ભૂલીને લોકોની સેવા કરવા નિકળેલા આ ફકીરે પોતાના માટે ક્યારેય ઘર ખરીદ્યું નહિ અને અનાથ બાળકોની સેવા કરતાં રહ્યા. સંસ્થાની ઓરડીમાં માત્ર બે જોડી કપડામાં જ જિંદગી કાઢી નાખી હતી. છેલ્લા દમ સુધી ગરીબોની સેવા કરતાં રહ્યા. તેઓનો જન્મભૂમિને ઋણ અદાકર્તા ઘણા જ રસપ્રદ કિસ્સાઓ છે. તેઓ પાકિસ્તાનની જેલમાં સપડાયેલા ગુજરાતી માછીમારોની સમયસર મુલાકાત લેતા, સામસ્યાની પૃચ્છા કરતાં અને નિવારણ કરતાં, સારવાર કરતાં અને ગુજરાતી ભોજન પૂરું પાડતા. કોઈ પણ ભારતીય હિન્દુ માછીમાર બંધક મુક્ત થાય ત્યારે 5000 હજાર રોકડ અને મુસાફરીમાં કામ લાગે એ માટે કપડાંની જોડી અને અનાજની કીટ આપતા. વિશ્વમાં જ્યાં પણ જરૂર પડતી ત્યાં આ ફકીર દોડીને ગયો છે અને પોતાની કાયા ઘસી નાખી હતી.  અબ્દુલ સત્તારની હિન્દુઓ પ્રત્યેની સહાનુભૂતિ જોઈને એક અદકપાંસળીએ ટોણો મારેલો કે હું તને પૈસા શું કરવા માટે આપું ? તમે તો હિન્દુઓના મૃતદેહો પણ ઉપાડો છો. આનો પ્રત્યુતર આપતા સત્તાર કહે છે કે ઇન્સાનિયત મારો ધર્મ છે અને ‘તારા કરતાં મારી એમ્બ્યુલન્સ વધારે મુસલમાન છે, હવે તું આપે તોય પૈસા નથી જોઈતા’. અબ્દુલ સત્તાર ઇદી જ્યાં પણ ઝોળી ફેલાવીને બેસી જાય ત્યાં પૈસાનો ઢગલો થઈ જતો, પૈસા દેવા માટે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થઈ જતો એટલી કુદરતી મહેર હતી.

માનવતા ધર્મમાં માનનારા લાખો ગરીબોના પેટનો ખાડો પૂરનારા, અનાથ બાળકોના પિતા, સામાજિક ફાટફૂટને કારણે ગેરમાર્ગે દોરાયેલા અસંખ્ય યુવાનોના માર્ગદર્શક એવા ‘ઇદી’ વિશ્વ ભરમાં વસેલા પોતાના ચાહકોને 8 મી જુલાઇ 2016 માં છોડીને અલ્લાને પ્યાર થઈ ગયા. અસંખ્ય યતીમોને ફરી પાછાં યતીમ બનાવી ગયા.

આ કર્મની લેગસીને જૂનાગઢના બાંટવામાં એક કચ્છી ગુજરાતી સાયકલના વ્યાપરીને ત્યાં જન્મેલા અને અબ્દુલ સત્તારના ધર્મપત્ની બિલકીશ બાનોએ આગળ વધાવી. ગુજરાતનાં આ દીકરી ઇદીથી પણ સવાયા બનીને માનવજાતની સેવા કરી. પાકિસ્તાનમાં 2000 હજારથી વધુ અનાથ બાળકોની માં બની, કમનસીબ બાળકોને ગળે લગાડ્યા.

એક રસપ્રદ કિસ્સો છે કે , ગીતા નામની અબોલી માઈગ્રન્ટ બાળકીને સગી માં જેટલો પ્રેમ આપ્યો અને બાળકીને ભણાવી ગણાવી, તેમના હાવ ભાવ સમયાંતરે તેઓને ખબર પડે છે કે તે એક હિન્દુ છોકરી છે અને ભૂલથી પાકિસ્તાન આવી ચડી હતી. સ્વમાન ભેર મોટી કરીને સ્વ. શ્રી સુષ્મા સ્વરાજને રૂબરૂ સોંપીને એક સાચા અર્થમાં મહિલા શક્તિનો પરચો કરાવ્યો હતો. આ અરસામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજી એ 1 કરોડ રૂપિયા ડોનેશન માટે આપ્યા,પણ વિનમ્રતા પૂર્વક આ અમાઉન્ટનો ચેક સુપરત કર્યો , કારણ કે માંગી ભીખીને જ સેવા કરવાનો આ મહાયજ્ઞનું પ્રણ અબ્દુલ સતાર ઇદી એ લીધેલું. આજે પણ લોકો પોતાનો પૈસો આ સેવાયજ્ઞમાં આપવા રૂબરૂ જતાં હોય છે.

મજબૂરોની સેવા કરવામાં જાણીતા આ ગુજરાતી મહિલા એ અબ્દુલ સત્તાર ઇદીના અવસાન બાદ કદી પાછું વળીને જોયું નથી, પણ ચાલુ રમઝાન મહિનાની હિજરી-14 શુક્રવારના રોજ જન્નત સિધાવ્યા. અને વાસ્તવમાં પરોપકારના બંને અધ્યાયો આજ રોજ સમાપ્ત થયા.

હમેશા ઇદીના છાયામાં જ જીવન ગુઝારનાર એમના ધર્મપત્ની બિલકીશ બાનું સ્ત્રીકલ્યાણ માટે જે કરીને ગયા છે તે કદીયે ગાયું નથી કે નથી છાપે ચડાવ્યું. પાકિસ્તાનના મધર ટેરેસા તરીકે જાણીતા બિલકીશ બાનોએ અસંખ્ય પીડિત સ્ત્રીઓની વેદનાઓને સમજી અને હૂંફ આપી હતી. અસંખ્ય મહિલાઓ આજે ફરી માં વિહોણી બની હશે.

અલ્લાહ પાક મગફિરત ફરમાવે અને જન્નત માં આલા મુકામ અદા કરે.

  • આમીન